ભાવનગર એલસીબીની કાર્યવાહી : દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સામે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શિહોર તાલુકાના પાંચવડા ગામમાં માનસિંહ ઉ
દારૂ ની રેડ


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સામે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શિહોર તાલુકાના પાંચવડા ગામમાં માનસિંહ ઉર્ફે બાબભા ધીરૂભા ગોહિલ પોતાની વાડીના શેઢાના ભાગે તળાવના નેરા કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે તેમજ તૈયાર કરેલો દેશી દારૂ વેચાણ માટે સંગ્રહ કરી રાખ્યો છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જોકે, આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળની તપાસ કરતાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે 90 લીટર દેશી પીવાનો દારૂ તેમજ 1,000 લીટર ગરમ અને ઠંડો આથો મળી કુલ રૂ. 45,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત પ્લાસ્ટિકની કોથળી સહિત ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતા સાધનોનો પણ કબજો લેવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પર જ આથો ઢોળી નષ્ટ કર્યો હતો તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો તોડી-ફોડી નાશ કર્યા હતા જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ફરી શરૂ ન થઈ શકે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપી માનસિંહ ઉર્ફે બાબભા ધીરૂભા ગોહિલ સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભાવનગર એલસીબીની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તેમજ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande