
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ગુનાખોરી અને ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક મહત્વની સફળતા મળી છે. એલસીબી પોલીસ સ્ટાફ શિહોર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર-રાજકોટ હાઇવે પર બજુડ ગામના પાટિયા પાસે એક વ્યક્તિ ગેરકાયદેસર પિસ્ટલ સાથે ઉભો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબ મરૂન રંગનો શર્ટ પહેરેલો અને મોટા વાળ ધરાવતો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેને રોકી તેની અંગજડતી લેતા તેના કબ્જામાંથી લોખંડની ધાતુની સિલ્વર રંગની એક પિસ્ટલ મળી આવી હતી. પિસ્ટલમાં ખાલી મેગેઝીન લગાવેલી હતી અને તે ચાલુ હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
પકડાયેલા આરોપીની ઓળખ વિજય શંભુભાઈ મેર (ઉંમર ૩૨), રહે. લુવારા ગામ, તાલુકો ગારીયાધાર, જિલ્લો ભાવનગર તરીકે થઈ છે. આરોપી મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીના કબ્જામાંથી અંદાજે રૂ. ૧૦,૦૦૦ કિંમતની એક ગેરકાયદેસર પિસ્ટલ કબજે કરી છે. આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ વધુ તપાસ અને જરૂરી કાનૂની કાર્યવાહી માટે આરોપીને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ હાલ આ પિસ્ટલ આરોપીને ક્યાંથી મળી, તેનો ઉપયોગ કોઈ ગુનામાં થયો છે કે નહીં તેમજ તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.
ભાવનગર એલસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારો રાખનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સતર્ક કામગીરી વધુ એક વખત સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA