
જામનગર, 06 જુલાઈ (હિ.સ.) :
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતનો ગુનો નોંધાયો છે. અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારના ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે કાર ચલાવી પાછળથી મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ જસાપર ગામના રહેવાસી અને હીરા ઘસવાની મજૂરી કરતા રાજેશભાઈ વલ્લભભાઈ મોહનભાઈ ફળદુ (ઉંમર 41) તા.7 જૂન, 2026ની રાત્રે દેવળા ગામેથી પોતાના હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે સાડા દસ વાગ્યે જસાપર ગામ પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલી અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારએ તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં રાજેશભાઈને જમણા પગ, ડાબા હાથ તેમજ ડાબા હાથની પાંચેય આંગળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જમણો પગ અને ડાબો હાથ ભાંગી જવા ઉપરાંત આંગળીઓમાં પણ ફ્રેક્ચર થતાં તેમને પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની આરોગ્યમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથ, પગ અને આંગળીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સારવાર પૂર્ણ થતાં તા.14 જૂન, 2026ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અજાણ્યા કારચાલક સામે અરજી આપી હતી અને તેના આધારે ગઈકાલે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(અ), 125(બ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી અજાણ્યા કારચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt