
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંતલપુર ઉપરાંત કલ્યાણપુરા, રણમલપુરા, રજૂસરા અને બકુતરાં સહિતના અનેક ગામોમાં વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ શરૂ થતાં જ લોકોને ગરમીમાંથી રાહત મળતાં આનંદની લાગણી જોવા મળી હતી.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદને કારણે ખેતરોમાં નવી આશા જાગી છે અને આગામી વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી ખેડૂતોમાં આશા વ્યક્ત થઈ રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખેતી અને પશુપાલન ક્ષેત્રને પણ નોંધપાત્ર લાભ મળશે.
વરસાદના આગમનથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ગામડાઓમાં બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા, જ્યારે ખેડૂતોના ચહેરા પર પણ ખુશી સ્પષ્ટ દેખાતી હતી. વરસાદથી વાતાવરણ ખુશનુમા બનતાં લોકોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ