
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) યુકે (ઇંગ્લેન્ડ) મોકલવાની લાલચ આપી રૂ. 26.95 લાખની છેતરપિંડી આચરવાના બનાવમાં હનુમાન ગુફા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતી હેતલ રામભાઈ ઓડેદરાને આરોપીઓએ યુકે મોકલવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તબક્કાવાર કુલ રૂ. 26.95 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં બખરલાના મૂળ વતની અને હાલ યુકેમાં રહેતા અરશીભાઈ ઉર્ફે કેશુ ભુરાભાઈ ખુંટી, જુનાગઢના અશોક કારાવદરા, વલસાડના નરેન્દ્ર પરસાણીયા અને અમદાવાદના પિન્ટુભાઈને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ વિદેશ મોકલવાની પ્રક્રિયાના બહાને ફરિયાદી તથા અન્ય લોકોના ખોટા આધારકાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. ઉપરાંત ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ પણ બનાવડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ છતાં વિદેશ મોકલવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને વસૂલ કરાયેલી રકમ પણ પરત આપવામાં આવી ન હતી.
આ બનાવ અંગે હનુમાન ગુફા પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, વિશ્વાસઘાત અને ગુનામાં મદદગારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ અને સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya