
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : રાજુલા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા આશરે 12 ઈંચ વરસાદના કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો છે. ધારેશ્વર ગામ નજીક આવેલ આ મહત્વપૂર્ણ ડેમમાં અવિરત વરસાદને કારણે સતત પાણીની આવક વધતાં આખરે ડેમ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ડેમ રાજુલા અને જાફરાબાદ વિસ્તારના લોકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
ધાતરવડી ડેમ-1 દ્વારા રાજુલા-જાફરાબાદ શહેરો ઉપરાંત 13 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ છલકાતા આગામી સિંચાઈ સીઝન માટે ખેડૂતોને પૂરતું પાણી મળવાની આશા મજબૂત બની છે, જેના કારણે ખેતીને મોટો લાભ મળશે.
બીજી તરફ, ડેમમાંથી વધારાનું પાણી છોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સતત વરસાદને કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીનો પ્રવાહ પણ વધ્યો હોવાથી લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai