
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણના યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ધ્વનિ સંગીત પરિવાર દ્વારા પદ્મભૂષણ સુમન કલ્યાણપુરને સમર્પિત 'દિલ એક મંદિર હૈ' સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સંગીતરસિકોએ હાજરી આપી હતી.
ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વ્યાસે ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ આયોજનને બિરદાવ્યું હતું.
ડૉ. સમ્યક પારેખના માર્ગદર્શન અને ઓ ટુ એજ્યુકેશનના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ખ્યાતિ નાયક ભાવસાર, હરેશ સોલંકી, ડૉ. સમ્યક પારેખ, શિખા નાયક, ડૉ. ભાવિન ગઢવી સહિતના કલાકારોએ સુમન કલ્યાણપુરના લોકપ્રિય હિન્દી અને ગુજરાતી ગીતોની મનમોહક રજૂઆત કરી હતી.
'રહે ના રહે હમ', 'ના તુમ હમે જાનો', 'દિલ ને ફિર યાદ કિયા' સહિતના હિન્દી તેમજ 'નાગર નંદજી ના લાલ', 'સજન મારી પ્રિતડી' અને 'મણિયારો તે હળું હળું' જેવા ગુજરાતી ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. વાદ્યવૃંદના કલાકારોએ પણ સુંદર સંગત આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ ભાવસાર, અતુલભાઈ નાયક અને અશ્વિનભાઈ નાયકે વિશેષ સહયોગ આપ્યો હતો. અશોકભાઈ વ્યાસ અને નેહલબેન દવેએ સંચાલન કર્યું હતું, જ્યારે અંતે અતુલભાઈ નાયકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ