
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : હારીજ નગરપાલિકામાં વોર્ડ નં. 2ના નગરસેવક હેતલબેન રમેશજી ઠાકોરની કારોબારી અધ્યક્ષ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે જ હારીજ માર્કેટયાર્ડમાં નગરપાલિકાના પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે કનકસિંઘ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. નવી બોડી રચાયા બાદ આશરે દોઢ વર્ષની પ્રતીક્ષા પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા કાર્યકરો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સોમવારે હારીજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ધરતીબેન ધર્મેશભાઈ સચ્ચદેના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી લાલજીભાઈ દેસાઈ અને પાટણ ભાજપ કાર્યાલયના નવીનભાઈ પ્રજાપતિ મેન્ડેટ લઈને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ હેતલબેન ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત થતાં તેમની કારોબારી અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર, ઉપપ્રમુખ કિંજલબેન મહેતા, હારીજ શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ ઠક્કર સહિત 20 નગરસેવકો હાજર રહ્યા હતા. નવનિયુક્ત કારોબારી અધ્યક્ષનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી કારોબારી અધ્યક્ષની નિમણૂકની રાહ જોવાઈ રહી હતી, જેનો અંત આવતા કાર્યકરો અને શહેરના લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ