બોટાદ જિલ્લામાં 10,920 ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી, તાત્કાલિક નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી શાખાની અપીલ
બોટાદ, 06 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લા ખેતીવાડી શાખાએ જિલ્લાના તમામ બાકી રહેલા ખાતેદાર ખેડૂતોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર (AgriStack Project) અંતર્ગત વર્ષ 20
ફાર્મર એપ ફાઇલ ફોટો


બોટાદ, 06 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લા ખેતીવાડી શાખાએ જિલ્લાના તમામ બાકી રહેલા ખાતેદાર ખેડૂતોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર (AgriStack Project) અંતર્ગત વર્ષ 2024-25થી ફાર્મર રજીસ્ટ્રી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક ખાતેદાર ખેડૂતને 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે, જે ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે મહત્વપૂર્ણ બનશે.

જિલ્લા ખેતીવાડી શાખાના જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં હજુ પણ કુલ 10,920 ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી છે. જેમાં બરવાળા તાલુકાના 1,170, બોટાદ તાલુકાના 3,701, બોટાદ સિટીના 280, ગઢડા તાલુકાના 3,758 અને રાણપુર તાલુકાના 2,011 ખેડૂતોનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ તેમજ ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો લાભ પારદર્શક અને સરળ રીતે મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત સમાન મહત્વ ધરાવે છે. તેથી જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન હજુ સુધી થયું નથી તેઓએ વિલંબ કર્યા વગર નોંધણી કરાવી લેવી જોઈએ.

ખેડૂતો પોતાના ગામના VCE/VLE ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરાવી શકે છે. ઉપરાંત ખેડૂત પોતે પણ મોબાઇલ દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે. નોંધણી માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર અને જમીનની વિગતો જરૂરી રહેશે. કોઈપણ દસ્તાવેજ જમા કરાવવાનો રહેતો નથી.

જિલ્લા ખેતીવાડી શાખાએ ખાસ કરીને બહારગામ વસવાટ કરતા બોટાદ જિલ્લાના ખાતેદાર ખેડૂતોને પણ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ગ્રામ સેવક અથવા તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande