
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ અને ચાણસ્મા તાલુકાના વીજ લાઇન અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન વળતર મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. 4 જુલાઈ, 2026ના નવા સરકારી પરિપત્રમાં વર્ષ 2022થી લડત ચલાવતા ખેડૂતોનો સમાવેશ ન થતાં ભારે અસંતોષ ફેલાયો છે.
ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ અને અદાણી જેવી કંપનીઓએ ખેતીની જમીનમાં હાઈટેન્શન લાઇન અને ટાવર ઉભા કરતાં જમીનનો ઉપયોગ મર્યાદિત થયો છે, જેના કારણે તેમને કાયમી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ વહીવટી તંત્રે તમામ પેન્ડિંગ અને જૂના કેસોને નવી નીતિમાં આવરી લેવાની મૌખિક ખાતરી આપી હતી, પરંતુ નવા પરિપત્રમાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ખેડૂતો રાજસ્થાન સરકારની નીતિ મુજબ જમીનની કિંમતના 400 ટકા વળતરની માંગ કરી રહ્યા છે. હાલની 200 ટકા વળતરની જોગવાઈ અપૂરતી હોવાનું જણાવી નવી ગાઇડલાઇનમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂત પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો જૂના અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે અને જિલ્લા તંત્રને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆત મોકલવાની માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ