


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર નદીઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. તેના પરિણામે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે અને અનેક માર્ગો પર પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.
આ જ પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે પોરબંદર ફાયર વિભાગને 112 કંટ્રોલ રૂમમાંથી જાણ મળી હતી કે બળેજ ગામ નજીક બળેજ-અમીપુર રોડ પર એક વ્યક્તિ વાહન લઈને પસાર થતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં વચ્ચે ફસાઈ ગયો છે. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે સફળ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે જુનાગઢથી માધવપુર જઈ રહેલા રાજશી રામને બોટની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યો હતો.
સમયસર કરાયેલી આ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બીજી તરફ, ઘેડ અને કુતિયાણા પંથકમાં પૂરનાં પાણી ફરી વળતાં 12 ગામોને જોડતા રસ્તાઓ પ્રભાવિત થયા છે, જેના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. કેટલાક ગામોનો સંપર્ક પણ અંશતઃ પ્રભાવિત બન્યો છે. વહીવટી તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya