


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસના નશાબંધી અભિયાન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક મોટી સફળતા મળી છે. કુતિયાણા પોલીસ મથક વિસ્તારના દેવડા ગામના ખારાનેશ વિસ્તારમાંથી એલસીબીએ રૂ. 9,61,988ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવડા ગામના ખારાનેશ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસેની વાડીમાં રહેતા ભરત જીવાભાઈ મોરી અને ધવલ જીવાભાઈ મોરી તેમની વાડીમાં આવેલા મકાનના ફળિયામાં બોલેરો પીકઅપમાંથી દારૂનો જથ્થો ઉતારી છુપાવવાની તૈયારીમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા બંને આરોપીઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા.તપાસ દરમિયાન GJ-04-AW-6987 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 75 પેટી જપ્ત કરવામાં આવી હતી. તેમાં કુલ 2,484 બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 4,61,988 થાય છે. ઉપરાંત રૂ. 5 લાખની બોલેરો પીકઅપ પણ કબજે લેવામાં આવી હતી. આમ કુલ રૂ. 9,61,988નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુંછે કે આ દારૂનો જથ્થો સેજા ભીખુભાઈ મોરી દ્વારા વેચાણ માટે આપવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીનનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરીયા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya