અમરેલીના ડુંગર ગામમાં વરસાદનો કહેર
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં સતત ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ગામના અંદાજે 15 જેટલા મકાનોમાં લગભગ બે ફૂટ જેટલા વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં અ
ડુંગર ગામમાં વરસાદનો કહેર


અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં સતત ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ગામના અંદાજે 15 જેટલા મકાનોમાં લગભગ બે ફૂટ જેટલા વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં અનાજ, કપડાં, પલંગ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતની ઘરવખરી સંપૂર્ણપણે પલળી ગઈ છે, જેના કારણે પરિવારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અચાનક પાણી ઘૂસી આવતાં રહેવાસીઓએ જરૂરી સામાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ઘણી વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. અનેક પરિવારો હાલ સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે.

સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક મદદ, પાણીના નિકાલ અને નુકસાનનું સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આગામી વરસાદને લઈને પણ ભયમાં છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande