

વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં હવે તસ્કરોની નજર વાહનોના પેટ્રોલ પર પણ પડી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરી કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે પેટ્રોલ ચોરીની કથિત ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે અઢી વાગ્યે ટુ-વ્હીલર પર આવેલા કેટલાક શખ્સોએ કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા.
CCTV ફૂટેજમાં શખ્સો વાહનોની નજીક જઈને પેટ્રોલ કાઢતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય માર્ગ પર આવેલા કોમ્પ્લેક્સમાં આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ઘટના બાદ વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, CCTVમાં કેદ થયેલી હરકત ખરેખર પેટ્રોલ ચોરીની છે કે અન્ય કોઈ કારણસર કરવામાં આવી હતી, તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
સ્થાનિકોએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ