
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં આગામી 16 જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. તેના સુચારુ આયોજન, કાયદો-વ્યવસ્થા અને વિવિધ વિભાગોના સંકલન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ મંદિર તથા રથયાત્રા રૂટની મુલાકાત લઈ સમિતિ સાથે ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન રથયાત્રા સમિતિના પ્રમુખ અને શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પીયૂષભાઈએ આશરે બે લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 16 મુદ્દાઓની લેખિત રજૂઆત કરી હતી. તેમાં માર્ગ સમારકામ, વૃક્ષોની ડાળીઓ કાપવા, સ્પીડ બ્રેકર દૂર કરવા, CCTV અને ડ્રોન સર્વેલન્સ, ટ્રાફિક ડાયવર્ઝન તેમજ અવિરત વીજ પુરવઠા સહિતના મુદ્દાઓ સામેલ હતા.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ સૂચનો સ્વીકારી સંબંધિત વિભાગોના અધિકારીઓને રથયાત્રા પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાઈ શકે.
આચાર્ય પીયૂષભાઈએ જણાવ્યું કે તેઓ છેલ્લા 27 વર્ષથી રથયાત્રાના આયોજન સાથે જોડાયેલા છે અને દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટે પણ તંત્રનો આભાર વ્યક્ત કરી સફળ આયોજન માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ