ભાવનગરમાં એલસીબી, એસઓજી અને પેરોલ-ફર્લો ટીમની સંયુક્ત રેઇડ: 13 પ્રોહિબિશનના ગુના નોંધાયા, રૂ. 81,400નો મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં દારૂના દુષણને નાથવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ હેઠળ એલસીબી, એસઓજી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમોએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન રેઇડ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયા
રેડ દરમિયાન ઝડપાયેલ મુદ્દામાલા


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં દારૂના દુષણને નાથવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ હેઠળ એલસીબી, એસઓજી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમોએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન રેઇડ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી દેશી દારૂ અને દારૂ બનાવવાના આથા (વોશ) સહિત કુલ રૂ. 81,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે આડોડીયાવાસ, કરચલિયા પારા, કુંભારવાડા, મિલેટ્રી સોસાયટી તેમજ માઢીયારોડ સહિતના વિસ્તારોમાં દરોડા પાડી કુલ 13 અલગ-અલગ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢ્યા હતા. કાર્યવાહી દરમિયાન 212 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ. 42,400 થાય છે, તેમજ 1,560 લીટર દારૂ બનાવવાનો આથો (વોશ), જેની કિંમત રૂ. 39,000 થાય છે, જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં કુલ 13 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે ભાવનગર, ઘોઘારોડ, ગંગાજળિયા અને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે જપ્ત કરાયેલ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ભાવનગર પોલીસ દ્વારા જણાવાયું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સામે આવનારા દિવસોમાં પણ સતત અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં અને કાયદો-વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ છે. આ સફળ કાર્યવાહીને કારણે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande