જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત રસ્તાઓની મરામત માટે યુદ્ધના ધોરણે કામગીરી : 40 રસ્તાઓ પૂર્વવત કરાયા
જૂનાગઢ, 06 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં તા. 02 જુલાઈ 2026 થી 04 જુલાઈ 2026 સુધીમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલા રસ્તાઓ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત રસ્તાઓની


જૂનાગઢ, 06 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં તા. 02 જુલાઈ 2026 થી 04 જુલાઈ 2026 સુધીમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે બંધ થયેલા 40 રસ્તાઓ પૂર્વવત થયા છે.

જિલ્લા પંચાયત કચેરીની બાંધકામ શાખા દ્વારા મળતી વિગતો મુજબ, અતિભારે વરસાદના કારણે જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, વંથલી અને માણાવદર તાલુકાના કુલ ૫૨ રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ તાલુકાઓ પૈકી કેશોદ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વરસાદના કારણે વધુ નુકસાન નોંધાયું છે.

આ બંધ રસ્તાઓને ફરીથી ચાલુ કરવા માટે કાર્યપાલક ઇજનેરના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગની કુલ ૧૨ ટીમો સતત કાર્યરત છે. આ ઉપરાંત જુદા જુદા તાલુકાઓમાં કુલ ૫ એજન્સીઓને જેસીબી મશીન તેમજ અન્ય જરૂરી મશીનરી સાથે કામગીરીમાં જોડવામાં આવી છે. હાલ તંત્ર પાસે જરૂરી મશીનરી અને મટીરીયલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

તમામ ટીમો દ્વારા રસ્તાઓ પર સતત કામગીરી કરીને નાળામાં ફસાયેલા ઝાડી-ઝાંખરા સાફ કરવા, તૂટેલા રસ્તા કે બ્રીચ થયેલા ભાગોમાં મટીરીયલનું પુરાણ કરવું તેમજ રસ્તા પર જમા થયેલી માટી અને ડેબ્રીસ (કાટમાળ) હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

આ સઘન કામગીરીના પરિણામે ૫૨ પૈકી કુલ 40 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલા 12 રસ્તાઓ ઘેડ વિસ્તારના હોવાથી ત્યાં હાલ પાણી ફરી વળવાને કારણે (ઓવરટોપિંગ લીધે) બંધ છે. આ રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ જરૂરી કાર્યવાહી કરીને તેને પણ શરૂ કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande