

વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં યુવાનો દ્વારા જોખમી અને વાંધાજનક વીડિયો બનાવવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે 112 જનરક્ષક પોલીસ વાનની બાજુમાં ઉભા રહીને વાંધાજનક ડાયલોગ સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કારેલીબાગ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે યુવકની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકને પોલીસ અને કાયદા પ્રત્યે જવાબદારીનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી હાથ જોડી માફી માંગી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે કાયદાનું ઉલ્લંઘન કરતી અથવા ગુનાખોરીને પ્રોત્સાહન આપતી સામગ્રી બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કૃત્યો સમાજમાં ખોટો સંદેશ પહોંચાડતા હોવાથી તેને ગંભીરતાથી લેવામાં આવશે.
કારેલીબાગ પોલીસે યુવાનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં વધુ વ્યૂઝ કે ફોલોઅર્સ મેળવવા માટે કાયદા અને જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા વીડિયો બનાવવાનું ટાળે અને જવાબદાર નાગરિક તરીકે વર્તન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ