
કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં બનેલી બે અલગ-અલગ એક્ટિવા ચોરીની ઘટનાઓનો ભેદ આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ઝડપી તપાસ, સર્વેલન્સ અને બાતમીદારોના મજબૂત નેટવર્કના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલી બંને એક્ટિવા પણ કબજે કરી લીધી છે. આ કામગીરીથી વાહનચોરી જેવા મિલ્કત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ સતત પેટ્રોલિંગ અને ગુનાખોરી પર નજર રાખી રહ્યો હતો. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે તાજેતરમાં નોંધાયેલા બે વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ વ્યક્તિ ચોક્કસ સ્થળે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને રાહુલ ઉર્ફે ગોંદો રાજેશભાઈ મહેશ્વરી (ઉં. 30 વર્ષ), હાલ બાગેશ્રી-03, અંજાર તથા મૂળ વતન નાના કપાયા, તાલુકો મુન્દ્રા, જિલ્લો કચ્છના રહેવાસીને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ એક્ટિવા ચોરીના ગુનાઓ અંગે કબૂલાત કરતા પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી બંને એક્ટિવા કબજે કરી હતી. આ બંને ગુનાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપી અન્ય કોઈ વાહનચોરી અથવા મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આદિપુર પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી વાહનચોરીના ભોગ બનેલા લોકોને રાહત મળી છે, જ્યારે ગુનાખોર તત્વોમાં પણ કાયદાનો ભય વધુ મજબૂત બન્યો હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar