અંજારને મળશે શિક્ષણનું નવું વહીવટી કેન્દ્ર: પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ટૂંક સમયમાં થશે કાર્યરત
કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી હવે અંજારમાં ટૂંક સમયમાં કાર્યરત થવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કચેરીને મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી વહીવટી પ્રક્ર
ડી.વી. હાઇસ્કુલ અંજાર


કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી હવે અંજારમાં ટૂંક સમયમાં કાર્યરત થવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કચેરીને મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી વહીવટી પ્રક્રિયાઓને અંતિમ તબક્કે પહોંચાડવામાં આવી રહી છે. અધિકારીઓની નિમણૂક, સ્ટાફની ફાળવણી અને કચેરી શરૂ કરવા માટેની અન્ય તૈયારીઓ પણ ગતિમાન બની હોવાથી આગામી સમયમાં પૂર્વ કચ્છના લોકોને શિક્ષણ સંબંધિત સેવાઓ માટે ભુજ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ જિલ્લાના વિશાળ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરવાની નીતિ પર કામ કરી રહી છે. આ અંતર્ગત પૂર્વ કચ્છ માટે અલગ આર.ટી.ઓ. વિભાગ, ખાણ અને ખનિજ વિભાગ તેમજ પીજીવીસીએલ સર્કલ જેવી કચેરીઓ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી ચૂકી છે. હવે શિક્ષણ વિભાગની અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ થવાથી આ પ્રક્રિયાને વધુ મજબૂતી મળશે.

માહિતી મુજબ અંજારના સવાસર નાકા નજીક આવેલી ડી.વી. હાઈસ્કૂલના પરિસરમાં પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કાર્યરત કરવામાં આવશે. કચેરી શરૂ કરવા માટે જરૂરી માળખાકીય વ્યવસ્થા તેમજ મહેકમ ફાળવણી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અગાઉથી જ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હવે માત્ર વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ કચેરીનો સત્તાવાર પ્રારંભ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી રહેલા સંજય પરમારને અંજારની નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નિર્ણયને કચેરીના પ્રારંભ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ પ્રારંભિક વહીવટી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.

નવી કચેરી શરૂ થતાં પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, રાપર અને આસપાસના વિસ્તારોની સરકારી તેમજ ખાનગી શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ વિભાગની વિવિધ કામગીરી માટે ભુજ જવાની ફરજમાંથી રાહત મળશે. પ્રમાણપત્રો, મંજૂરી, વહીવટી કાર્યવાહી અને શિક્ષણ સંબંધિત અન્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનતાં સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે.

શિક્ષણ ક્ષેત્રે વહીવટી સુવિધાઓને લોકો સુધી વધુ સરળતાથી પહોંચાડવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો પ્રારંભ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. હવે તમામની નજર કચેરીના સત્તાવાર લોકાર્પણ અને કામગીરીના પ્રારંભ પર કેન્દ્રિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande