15 ટકા સસ્તુ સોનું આપવાની લાલચ આપતો ફેસબુક ફ્રોડનો ભાંડો ફોડાયો: પશ્ચિમ કચ્છ LCBએ યુવાનને ઝડપી છેતરપીંડીનો કારસો કર્યો બેનકાબ
કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) સોશિયલ મીડિયા પર આકર્ષક ઓફરો આપીને લોકો સાથે છેતરપીંડી કરવાના વધુ એક પ્રયાસનો આજે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ફેસબુક પર ખોટી ઓળખ બનાવી બજારભાવ કરતાં 15 ટકા ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લોભા
સસ્તા સોનાની જાહેરાત કરનાર આરોપી


કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) સોશિયલ મીડિયા પર આકર્ષક ઓફરો આપીને લોકો સાથે છેતરપીંડી કરવાના વધુ એક પ્રયાસનો આજે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ફેસબુક પર ખોટી ઓળખ બનાવી બજારભાવ કરતાં 15 ટકા ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લોભામણી જાહેરાતો મૂકીને લોકોને જાળમાં ફસાવવાનો પ્રયાસ કરનાર એક યુવાનને પોલીસે આજે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોનો વિશ્વાસ જીતી તેમની પાસેથી રૂપિયા પડાવવાનો ઇરાદો રાખતો હતો.

રાજ્યમાં સસ્તા સોનાની લાલચ, પૈસા બમણા કરવાની ઓફર અને અન્ય આર્થિક છેતરપીંડીના બનાવોને ધ્યાનમાં રાખીને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અભિયાનના ભાગરૂપે LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી તેના મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં Niraz Soni નામની ફેસબુક આઇ.ડી. મળી આવી હતી. આ એકાઉન્ટ પર સોનાના બિસ્કિટના ફોટા અને વીડિયો સાથે બજારભાવ કરતાં 15 ટકા ઓછા ભાવે સોનું વેચવાની જાહેરાતો મૂકવામાં આવતી હતી. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ સ્વીકાર્યું કે તેણે બનાવટી ફેસબુક આઇ.ડી. બનાવી હતી અને તેના માધ્યમથી લોકોને આકર્ષક ઓફરો બતાવી સંપર્ક સાધતો હતો.

આરોપી શરૂઆતમાં ફેસબુક મારફતે વાતચીત કરીને લોકોનો વિશ્વાસ જીતતો, ત્યારબાદ તેમના મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર સંપર્ક ચાલુ રાખતો હતો. સસ્તુ સોનું આપવાના બહાને લોકોને રૂપિયા મોકલવા પ્રેરિત કરવાનો તેનો ઇરાદો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર યોજના લોકો પાસેથી નાણાં મેળવી છેતરપીંડી કરવાનો પ્રયાસ હતી.

પોલીસે આ કેસમાં ભુજના સંજોગનગર વિસ્તારમાં અલહુદા મસ્જિદ સામે રહેતા 18 વર્ષ 11 મહિનાના મહમ્મદસાહીબ હબીબ પઠાણની ધરપકડ કરી છે. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર સફળ કામગીરી PSI એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ UHC રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને નવીનકુમાર જોષી સહિતની ટીમે સંયુક્ત પ્રયાસોથી પાર પાડી હતી.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર સસ્તુ સોનું, અતિ આકર્ષક રોકાણ યોજનાઓ અથવા બજારભાવ કરતાં અસામાન્ય રીતે ઓછી કિંમતે કિંમતી ચીજવસ્તુઓ આપવાનો દાવો કરતી જાહેરાતોથી સાવચેત રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની ચુકવણી કરતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande