હમીરસર તળાવમાં બેફામ માછીમારીથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ, રાજેન્દ્ર પાર્ક બન્યો અસામાજિક તત્વોનું આશ્રયસ્થાન
કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરની ઓળખ સમાન અને રાજાશાહીના સમયથી ઐતિહાસિક વારસો ગણાતું હમીરસર તળાવ આજે ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. શહેરના મધ્યભાગમાં આવેલું આ તળાવ માત્ર પર્યટન અને મનોરંજનનું સ્થળ જ નહીં, પરંતુ અનેક લોકો માટે લાગણી અને
હમીરસર તળાવમાં મળી આવેલ મૃત માછલીઓ


હમીરસર તળાવમાં મળી આવેલ મૃત માછલીઓ


કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરની ઓળખ સમાન અને રાજાશાહીના સમયથી ઐતિહાસિક વારસો ગણાતું હમીરસર તળાવ આજે ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. શહેરના મધ્યભાગમાં આવેલું આ તળાવ માત્ર પર્યટન અને મનોરંજનનું સ્થળ જ નહીં, પરંતુ અનેક લોકો માટે લાગણી અને વારસાનું પ્રતીક છે. તળાવની વચ્ચે આવેલો રાજેન્દ્ર પાર્ક અને ત્યાં પહોંચવા માટેનો નાનકડો પુલ વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. અનેક તરવૈયાઓએ અહીંથી પોતાની તરણયાત્રાની શરૂઆત કરી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાનું સામે આવી રહ્યું છે.

તાજેતરમાં રાજેન્દ્ર પાર્ક નજીકના પુલ પાસે મોટી સંખ્યામાં માછલીઓ જાળમાં ફસાઈ મૃત હાલતમાં જોવા મળતાં સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં વર્ષોથી તરવૈયાઓને તાલીમ આપતા સુરેશ વણોલ સ્થળ પર પહોંચ્યા હતા અને જાળમાં ફસાયેલા જળચર જીવને મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અવારનવાર ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવે છે, જેના કારણે જળચર જીવસૃષ્ટિને સતત નુકસાન પહોંચી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજેન્દ્ર પાર્ક શહેરના મુખ્ય માર્ગથી અંદરના ભાગમાં આવેલો હોવાથી અહીં નિયમિત દેખરેખનો અભાવ છે. ખાસ કરીને સાંજ પડ્યા બાદ કેટલાક અસામાજિક તત્વો અહીં એકત્ર થતા હોવાની અને દારૂની મહેફિલો સાથે ગેરકાયદેસર રીતે પકડાયેલી માછલીઓની મિજબાની માણતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે આવા તત્વોને જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પ્રથમ વખત નથી કે હમીરસર તળાવમાં આવી ઘટના સામે આવી હોય. અગાઉ પણ અનેક વખત ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી તળાવમાં નાખવામાં આવેલી જાળ દૂર કરીને માછલીઓ તથા અન્ય જળચર જીવોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાના કારણે તંત્રની કામગીરી અને દેખરેખ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

જીવદયા પ્રેમીઓનું માનવું છે કે હમીરસર તળાવ જેવી ઐતિહાસિક અને પર્યાવરણીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ જગ્યાએ ગેરકાયદેસર માછીમારી અને અસામાજિક પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહન મળવું જોઈએ નહીં. જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો જળચર જીવસૃષ્ટિને સતત નુકસાન પહોંચશે અને શહેરના આ ઐતિહાસિક સ્થળની પ્રતિષ્ઠા પણ ધૂંધળી બનશે.

સ્થાનિક નાગરિકો અને જીવદયા પ્રેમીઓએ તંત્ર સમક્ષ રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં કાયમી સુરક્ષા ગાર્ડની નિમણૂક, નિયમિત પેટ્રોલિંગ અને ગેરકાયદેસર માછીમારી સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું માનવું છે કે સઘન દેખરેખ અને કડક અમલવારી દ્વારા જ હમીરસર તળાવને અસામાજિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખી તેની ઐતિહાસિક અને કુદરતી ઓળખ જાળવી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande