
કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગાર જેવી સામાજિક બદી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નખત્રાણા તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલા તલાવડી નજીક બાવળોની ઝાડીમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ દરોડો પાડી છ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જ્યારે બે આરોપીઓ પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹1.86 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી રહી હતી. આ દરમિયાન મળેલી વિશ્વસનીય માહિતીના આધારે PSI એમ. એચ. શીણોલના નેતૃત્વમાં પોલીસ ટીમે નખત્રાણા તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલા સ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસ પહોંચતા ત્યાં કેટલાક લોકો ગંજીપાનાં પત્તાં વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ₹15,120, છ મોબાઇલ ફોન, સાત ટુ-વ્હીલર વાહનો તેમજ જુગારમાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપાનાં પત્તાં મળી કુલ ₹1,86,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે લક્ષ્મણ કાનજી વાઘેલા, ધર્મેશ લક્ષ્મણગીરી ગૌસ્વામી, જીજ્ઞેશ દિનેશભાઈ ઠક્કર, હારૂન જુમા કુંભાર, રમજુ ઉમર આરબ અને કરીમ આદમ કુંભારની ધરપકડ કરી છે. જ્યારે સાજન ભચુ ચાકી અને સુલેમાન ઉર્ફે કારો કુંભાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે અને જિલ્લામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત્ રહેશે.
આ સફળ કામગીરી PSI એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, UHC મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંજામ આપી હતી. પોલીસની આ કાર્યવાહીથી નખત્રાણા વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar