લિંબાયતમાં વકીલ અને ભાઈ પર હુમલો, પાર્કિંગ વિવાદે લીધો હિંસક વળાંક
સુરત, 06 જુલાઈ (હિ.સ.) સુરતના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બની જતા એક વકીલ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. એડવોકેટ અલ્તાફ ભરૂચી અને તેમના ભાઈ મકસુદ યાકુબભાઈ પર પાડોશમાં રહેતા કેટલાક લોકોએ
Surat


સુરત, 06 જુલાઈ (હિ.સ.) સુરતના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બની જતા એક વકીલ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. એડવોકેટ અલ્તાફ ભરૂચી અને તેમના ભાઈ મકસુદ યાકુબભાઈ પર પાડોશમાં રહેતા કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં બંનેને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પીડિત પરિવારના જણાવ્યા મુજબ, ઘટના પહેલાં આરોપીઓ ઘરમાં ઘૂસી તેમની 72 વર્ષીય માતાને ગાડી હટાવવા મુદ્દે ધમકી આપવા આવ્યા હતા. બાદમાં મકસુદભાઈ ઘરે પહોંચતા તેમની સાથે બોલાચાલી થઈ હતી અને આરોપીઓએ ઈંટ વડે હુમલો કર્યો હતો. વચ્ચે બચાવ કરવા આવેલા એડવોકેટ અલ્તાફ ભરૂચી પર પણ હુમલો થતાં તેમની આંખ ઉપર ગંભીર ઈજા પહોંચી હોવાનું પરિવારનો દાવો છે. પરિવારનું કહેવું છે કે પાર્કિંગનો વિવાદ માત્ર બહાનું છે, જ્યારે મૂળ કારણ સરકારી જમીન પરના કથિત ગેરકાયદે કબજાને લઈને ચાલી રહેલો કાનૂની વિવાદ છે.

પરિવારે વધુમાં આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો સ્થાનિક ભૂ-માફિયા છે અને તેમને કેટલાક પોલીસ કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનોનું પીઠબળ મળતું હોવાથી તેઓ બેફામ બની ગયા છે. અગાઉ કેસ પાછો ખેંચવા માટે રૂપિયા અને અન્ય લાલચો આપવામાં આવ્યા હોવાનો પણ પરિવારનો દાવો છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પીડિત પરિવારે સમગ્ર કેસની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની તપાસ કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande