
વાપી, 06 જુલાઈ (હિ.સ.)
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ડુંગરા પોલીસ મથક હદના છીરી વડીયાવાડ વિસ્તારમાં સફળ દરોડો પાડી રૂ.6,28,950ના મુદ્દામાલ સાથે 12.259 કિલોગ્રામ ગાંજો અને એક દેશી હાથ બનાવટનો તમંચો જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના સુપરવિઝનમાં પીએસઆઈ જે.બી. ધનેશા અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે છીરી વડીયાવાડ ખાતે કેયુર પટેલની ચાલીમાં રૂમ નંબર-6 પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન રૂમમાંથી 12.259 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ.6,12,950), એક દેશી તમંચો (રૂ.10,000), બે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વજનકાંટો તથા ગાંજાના પેકિંગ માટેના 176 પ્લાસ્ટિક પાઉચ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે પિન્ટુ ભગત સત્યનારાયણ ભગત જયસ્વાલ (ઉ.વ.31) અને ત્રિપુરારીકુમાર હૃદયનારાયણ યાદવ (ઉ.વ.28) નામના બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. જ્યારે કેયુર નવનીતભાઈ પટેલ, કલીમ ઉર્ફે હકલા અલીમુદ્દીન સૈયદ, લલનકુમાર સત્યનારાયણ ભગત અને વિશાલ નામના ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
એલસીબીના પીએસઆઈ જે.બી. ધનેશાની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(II)(B), 29, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A), 29 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ડુંગરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે વોન્ટેડ આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ પ્રોહિબિશન, NDPS, હત્યા, લૂંટ, ચોરી, આર્મ્સ એક્ટ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ એ.યુ. રોઝ, પીએસઆઈ જે.બી. ધનેશા તેમજ એએસઆઈ અલ્લારખુ અમીરભાઈ, એએસઆઈ અજયભાઈ અમલાભાઈ સહિત એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી દ્વારા સફળ બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha