પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહનો હુમલો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત; ગ્રામજનોમાં ભયનો માહોલ
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહના હુમલાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામની સીમમાં કામ અર્થે ગયેલા એક વ્યક્તિ પર અચાનક સિંહે હુમલો કર્યો હતો. હુમલામાં વ્યક્તિ
હુમલો કરવામાં આવ્યો તે સમયનો ફોટો


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહના હુમલાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામની સીમમાં કામ અર્થે ગયેલા એક વ્યક્તિ પર અચાનક સિંહે હુમલો કર્યો હતો. હુમલામાં વ્યક્તિને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચતાં તેની બૂમાબૂમ સાંભળી નજીકમાં હાજર ગ્રામજનો અને અન્ય લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકો એકત્ર થતાં સિંહ જંગલ તરફ જતો રહ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તેની તબિયત અંગે તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. જાણના આધારે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા હુમલાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સિંહના હુમલાની ઘટનાને પગલે ગરજીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ સિંહની હિલચાલ પર સતત નજર રાખવા, પેટ્રોલિંગ વધારવા તેમજ માનવ વસાહત નજીક આવતા સિંહોને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પરત ખદેડવા માટે અસરકારક પગલાં લેવા માંગ કરી છે.

વન વિભાગે લોકોને અનાવશ્યક રીતે જંગલ વિસ્તાર અથવા સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં એકલા ન જવા, સાવચેતી રાખવા અને કોઈપણ વન્ય પ્રાણી દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande