સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો આતંક: ઘરની ઓસરીમાં સુતેલા પશુપાલક પર હુમલો, પગમાં 25 જેટલા ટાંકા
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં ગત રાત્રે સિંહના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ઘરની ઓસરીમાં સુતેલા પશુપાલક પર અચાનક સિંહે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં પશુપાલક રાજુ વાઘેલ
સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો આતંક: ઘરની ઓસરીમાં સુતેલા પશુપાલક પર હુમલો, પગમાં 25 જેટલા ટાંકા


અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં ગત રાત્રે સિંહના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ઘરની ઓસરીમાં સુતેલા પશુપાલક પર અચાનક સિંહે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં પશુપાલક રાજુ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગત રાત્રે રાજુ વાઘેલા પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા ત્યારે અચાનક ગામમાં ઘૂસી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી તેઓએ બૂમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોના અવાજ અને હલચલને કારણે સિંહ ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો.

હુમલામાં રાજુ વાઘેલાના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેમના પગમાં ઊંડા ઘા હોવાથી અંદાજે 25 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાએ ઠવી ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા વધારી છે. છેલ્લા સવા મહિનામાં સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના નોંધાતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે સિંહોની સતત અવરજવર પર નિયંત્રણ લાવવા તેમજ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને લોકો સુરક્ષિત રહી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande