
સુરત, 06 જુલાઈ (હિ.સ.) : સુરતમાં યોજાનારી ઇસ્કોનની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 16 જુલાઈએ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા યોજાનારી આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી ખાસ વાદળી રંગના શાહી વસ્ત્રોમાં સજ્જ થઈને ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી તૈયાર કરાયેલા આ પોશાક પર સોનેરી જરીનું આકર્ષક હેન્ડવર્ક કરવામાં આવ્યું છે, જે ભગવાનના દિવ્ય સ્વરૂપને વધુ ભવ્ય બનાવશે.
આ વિશેષ વસ્ત્રો વૃંદાવનના કુશળ કારીગરો દ્વારા ખાસ ઓર્ડર પર તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજે 15 કારીગરોએ દોઢ મહિના સુધી સતત મહેનત કરીને આ પોશાક તૈયાર કર્યો છે, જેના નિર્માણ પાછળ આશરે ₹3 લાખનો ખર્ચ થયો હોવાનું ઇસ્કોન મંદિરના પ્રતિનિધિએ જણાવ્યું છે. મંદિરના જણાવ્યા મુજબ, ભગવાન માટેના વસ્ત્રો અને પૂજાની સામગ્રી વૃંદાવનથી જ મંગાવવામાં આવે છે, કારણ કે તે ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લીલાભૂમિ માનવામાં આવે છે.
રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈએ બપોરે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી થશે. ત્યારબાદ રથ રિંગ રોડ, અઠવાગેટ અને ગુજરાત ગેસ સર્કલ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાત્રે લગભગ 9 વાગ્યે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પહોંચશે. મહાઆરતી સાથે યાત્રાનું સમાપન થશે અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ વિશેષ શાહી સ્વરૂપના દર્શન કરવા ઉમટે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે