
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામ નજીક માલણ નદી પર આવેલ માલણ ડેમ સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં આજે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં માલણ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ડેમમાંથી પાણીની આવક વધતાં નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠે આવેલા ગામોના લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નદીના પટમાં, કોઝવે તેમજ નીચાણવાળા માર્ગો પર અવરજવર ન કરવા કડક અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
માલણ ડેમ ઓવરફ્લોની અસર મોટા ખૂંટવડા, ગોરસ, સાંગણીયા, લખુપારા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા અને કતપર સહિતના ગામોમાં જોવા મળી શકે છે. તેથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
પ્રશાસને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. સાથે જ નદીના પટમાં માછીમારી, સેલ્ફી લેવા, વાહન લઈને કોઝવે પાર કરવા અથવા પાણીના પ્રવાહ નજીક જવાનું સંપૂર્ણપણે ટાળવાની અપીલ કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ જણાવ્યું છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકો પણ મહત્વના છે. તેથી તમામ અસરગ્રસ્ત ગામોના લોકો સતર્ક રહે, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરે તેવી વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA