
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના ડાલડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી SOG અને સાંતલપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ઉગાડેલા 7.840 કિલોગ્રામ વજનના પાંચ લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસે ₹3.92 લાખના ગાંજાના છોડ અને ₹500ના મોબાઇલ ફોન સહિત કુલ ₹3,92,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે પંચો અને સરકારી ફોટોગ્રાફરની હાજરીમાં ખેતરમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ખેતરના માલિક દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોળી (ઉં.58, રહે. ડાલડી) મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન આશરે ચાર વીઘાના પડતર ખેતરમાં લીમડા અને અરડુસાના ઝાડ નીચે 6થી 8 ફૂટ ઊંચાઈના પાંચ ગાંજાના છોડ મળી આવ્યા હતા. આરોપી પાસે ગાંજાનું વાવેતર કરવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.
FSL અધિકારી એચ.આર. પટેલ દ્વારા નાર્કોટિક્સ ટેસ્ટ કીટથી તપાસ કરતાં છોડમાં કેનાબીસના સક્રિય તત્વો મળી આવ્યા હતા. ત્યારબાદ વજન કરતાં કુલ 7.840 કિલોગ્રામ ગાંજાના છોડ હોવાનું નોંધાયું હતું.
આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 તેમજ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) એક્ટની કલમ 8(બી), 20(એ)(i) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોરધનભાઈ ભોજાજીભાઈ માજીરાણાને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ