
મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ વાહન ચોરીના ગુનામાં વધુ એક સફળતા મેળવી છે. માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી રૂ. 40,000 કિંમતની બજાજ પલ્સર મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ મહેસાણાની રામપુરા ચોકડી નજીક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દેવ કાળાભાઈ પ્રહલાદભાઈ પટેલ (ઉ.વ. 26), રહે. ખડાત પટેલપુરા રામજીવાસ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગરને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ માણસા તાલુકાના ખડાત ગામમાં શાળા પાસે આવેલા ઘર નજીકથી GJ-18-DE-4068 નંબરની બજાજ પલ્સર 150 મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303 હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર કેસની વધુ તપાસ માટે આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR