
મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ખાતે મિરેકલ વુમન્સ હોસ્પિટલ અને સમસ્ત ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે દ્વિતીય ડોઝ સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પને પ્રોત્સાહન આપતાં મહિલાઓના આરોગ્ય માટે આવા આયોજનોને સમયની જરૂરિયાત ગણાવ્યા હતા.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ગર્ભાશયના કેન્સર જેવી ગંભીર બીમારી સામે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે સર્વાઇકલ વેક્સિનેશન અત્યંત અસરકારક છે. સમયસર રસીકરણ થવાથી આ પ્રકારના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેથી વધુમાં વધુ મહિલાઓ અને યુવતીઓએ આરોગ્ય નિષ્ણાતોની સલાહ મુજબ રસીકરણ કરાવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલની તબીબી ટીમે રસીકરણ અંગે જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ ફેલાવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે આવા રસીકરણ કેમ્પ માત્ર સારવાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે મિરેકલ વુમન્સ હોસ્પિટલની ટીમ તેમજ સમસ્ત ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજના આગેવાનોને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR