



વડોદરા,06 જુલાઈ (હિ.સ.) વડોદરા: શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન-8 ખાતે મંદિર-મસ્જિદ સંબંધિત મુદ્દે વિવાદ સર્જાતા તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને લઈને બંને પક્ષોમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ મુદ્દે યોજાયેલી બેઠક દરમિયાન બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સ્થાનિકો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, આશરે 25થી 30 લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મારામારી કરી હતી.
સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે હુમલામાં સામેલ કેટલાક લોકો બજરંગ દળના કાર્યકરો હતા. જોકે, આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટના બાદ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિકોએ જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ