વડોદરામાં નવપરણિત યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પરિવારના માનસિક ત્રાસના આક્ષેપ બાદ પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શિવમ રેસીડેન્સીમાં એક નવપરણિત યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી
યુવતી


યુવતી


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શિવમ રેસીડેન્સીમાં એક નવપરણિત યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની રહેવાસી નેહા શર્માના આશરે ચાર મહિના પહેલાં કાર્તિક જોશી સાથે લગ્ન થયા હતા. દંપતી તરસાલીના શિવમ રેસીડેન્સીમાં રહેતું હતું. આજે સવારે આશરે 9 વાગ્યે નેહાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ દરમિયાન સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર મૃતકના પરિવારજનો અને પતિના પરિવાર વચ્ચે ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોસ્ટમોર્ટમ વિભાગ બહાર મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન બાદ નેહાને તેના પતિ કાર્તિક જોશી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આક્ષેપોના આધારે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. હાલ આ કેસમાં તપાસ ચાલુ હોવાથી મોતનું ચોક્કસ કારણ અને અન્ય હકીકતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande