
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના પ્રવાહને કારણે અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિંગરિયા–મંડેરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિસ્તારના અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાનની ભીતિ વચ્ચેખેડૂતોમાં ચિંતા વધી છે. પાણીનો નિકાલ ન થતાં ખેતીકારોને આર્થિક નુકસાનની આશંકા સતાવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કાંધલ જાડેજા ઘેડ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી.
ખેડૂતોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવા અને જરૂરી રાહત-સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી હતી. હાલ સમગ્ર ઘેડ વિસ્તારની સ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યુંછે, જ્યારે વરસાદ ચાલુ રહેતા સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યુંછે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya