શેત્રુંજી ડેમ 100 ટકા ભરાયો, પાલીતાણા-તળાજાના ગામોને હાઈ એલર્ટ
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લાના સૌથી મહત્વપૂર્ણ જળાશયોમાંના એક શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. આ વચ્ચે આજે તા. 6 જુલાઈ 2026ના રોજ સાંજે 5:45 કલાકે શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે એટલે કે 100 ટક
શેત્રુંજી ડેમ


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લાના સૌથી મહત્વપૂર્ણ જળાશયોમાંના એક શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. આ વચ્ચે આજે તા. 6 જુલાઈ 2026ના રોજ સાંજે 5:45 કલાકે શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે એટલે કે 100 ટકા ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને ડેમના હેઠવાસમાં આવેલા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવક વધી હતી અને ડેમ ઝડપથી ભરાતો ગયો હતો. આખરે સાંજે ડેમ તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી પહોંચતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામોને જ્યારે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને નદીના પટમાં જવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો તેની અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોને જાણ કરવામાં આવશે. બીજી તરફ, ડેમ સંપૂર્ણ ભરાવાથી ખેડૂતો અને પીવાના પાણી માટે લાંબા ગાળે રાહતની સ્થિતિ સર્જાઈ છે. જોકે હાલના તબક્કે લોકો સાવચેતી રાખે અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરે તેવી પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande