ધોધમાર વરસાદથી રાજુલાના જોલાપુર ગામમાં જળબંબાકાર: બે ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : રાજુલા પંથકમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલા તાલુકાના જોલાપુર ગામમાં ભારે વરસાદને કારણે અંદાજે બે ફૂટ જેટલા વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામના નીચાણવા
ધોધમાર વરસાદથી રાજુલાના જોલાપુર ગામમાં જળબંબાકાર: બે ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત


અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : રાજુલા પંથકમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલા તાલુકાના જોલાપુર ગામમાં ભારે વરસાદને કારણે અંદાજે બે ફૂટ જેટલા વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો.

સતત વરસાદને કારણે ગામની ગલીઓ અને જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકોએ સાવચેતી રાખીને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની પસંદગી કરી હતી. ભારે વરસાદના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા હતા.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande