જામનગર નજીકના દરિયામાં પ્રતિબંધ છતાં માછીમારી કરતી બે બોટ ઝડપાઈ
જામનગર, 06 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં જામનગરના બેડી વિસ્તારેથી ગેરકાયદે માછીમારી કરવા ગયેલી બે બોટ ઝડપાઈ છે. બેડી મરીન પોલીસે બંને બોટના ચાલકો સામે જાહેરનામાના ભંગ, ભારતીય
માછીમારી


જામનગર, 06 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં જામનગરના બેડી વિસ્તારેથી ગેરકાયદે માછીમારી કરવા ગયેલી બે બોટ ઝડપાઈ છે. બેડી મરીન પોલીસે બંને બોટના ચાલકો સામે જાહેરનામાના ભંગ, ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ, જુના બેડી બંદર ખાતેથી પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા ગયેલી ઝમ-ઝમ (રજિસ્ટ્રેશન નં. જીજે-10-એમએમ-4042) નામની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ મામલે બોટના ચાલક બશીર સંઘાર (રહે. સલાયા, દ્વારકા) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત અલ-દીલ રઝા (રજિસ્ટ્રેશન નં. જીજે-10-એમએમ-1379) નામની બોટ પણ પ્રતિબંધનો ભંગ કરીને દરિયામાં માછીમારી કરતી ઝડપાઈ હતી. આ બોટના ધારક હનીફ બિલાલ સુભાણીયા (રહે. ઇકબાલ ચોક, બેડી) સામે પણ જાહેરનામાના ભંગ, બીએનએસ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેડી મરીન પોલીસે માછીમારોને પ્રતિબંધના સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી માટે ન જવા સૂચના આપી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande