બે કલાકના વરસાદે આંતલીયામાં સર્જી પૂર જેવી સ્થિતિ, ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારી, 06 જુલાઈ (હિ.સ.) ગણદેવી તાલુકાના આંતલીયા ગામમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસરને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાંજના સમયે માત્ર બે કલાકમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાતા ઘરો, રસ્તાઓ અને સોસાયટીઓમા
Navsari


નવસારી, 06 જુલાઈ (હિ.સ.) ગણદેવી તાલુકાના આંતલીયા ગામમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસરને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાંજના સમયે માત્ર બે કલાકમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાતા ઘરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓ અને ખાડીઓ પણ છલકાઈ જતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી.

પાણી ઘરોમાં ઘૂસતાં રહેવાસીઓની ઘરવખરી અને કિંમતી સામાનને નુકસાન પહોંચ્યું હતું. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સોસાયટીઓમાં પાર્ક કરાયેલા બાઈક તથા કાર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા હતા. રાત્રિ દરમિયાન પાણીનું સ્તર વધતાં લોકો ચિંતામાં આખી રાત જાગી રહ્યા, જ્યારે બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વહેલી સવારે પાણી ધીમે ધીમે ઓસરવા લાગતાં લોકોને થોડી રાહત મળી હતી. જોકે, વરસાદની શરૂઆત પહેલાં કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ગામમાં આવી સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવી રહેવાસીઓએ વહીવટી તંત્ર પાસેથી અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande