વરલ કેન્દ્રવર્તી શાળા પીએમશ્રી ગુજરાતમાં 150મા સ્થાપના દિનની ગૌરવશાળી ઉજવણી, વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાનું વિતરણ
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : સિહોર તાલુકાની શ્રી વરલ કેન્દ્રવર્તી શાળા પીએમશ્રી ગુજરાતમાં 150મા સ્થાપના દિન નિમિત્તે સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી છલકાઈ ઉઠ્યું હતું. આ ઐતિહ
સ્થાપના દિવસની ઉજવણી


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : સિહોર તાલુકાની શ્રી વરલ કેન્દ્રવર્તી શાળા પીએમશ્રી ગુજરાતમાં 150મા સ્થાપના દિન નિમિત્તે સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી છલકાઈ ઉઠ્યું હતું. આ ઐતિહાસિક અવસર પર મોટી સંખ્યામાં મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના 150 વર્ષની ગૌરવગાથાને ઉજાગર કરતો જમ્બો કેક કાપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને કેક અને ચોકલેટનું વિતરણ કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શાળાના આચાર્ય હઠ્ઠીસિંહ ચૌહાણ તથા શિક્ષકગણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા પ્રધાનમંત્રીના એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળાના અંદાજે 750 વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત વાલીઓને એક-એક વૃક્ષનો છોડ ભેટરૂપે આપવામાં આવ્યો હતો અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું હતું કે વરલ કેન્દ્રવર્તી શાળાએ છેલ્લા 150 વર્ષ દરમિયાન ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને મૂલ્યનિષ્ઠ કેળવણી દ્વારા અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા આપી છે. શાળાનો આ ગૌરવશાળી વારસો સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ છે.

કાર્યક્રમમાં શાળાના પૂર્વ આચાર્યો, શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાઓ અને સમગ્ર શાળા પરિવારના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. અંતે તમામ મહેમાનોએ શાળાને 150 વર્ષની ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી અને આગામી વર્ષોમાં પણ શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ, નવીનતા અને સંસ્કારના ક્ષેત્રે સતત નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande