



વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : સાવલી તાલુકાના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવતું હોવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે.
સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ અનુસાર, આ વિસ્તારમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને શાસન-પ્રશાસનના ડર વગર નદીના પવિત્ર પાણીમાં ઝેર ઘોળી રહ્યા છે. પ્રદૂષણના કારણે હાલ મિની નદીની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.છેલ્લા કેટલાક દિવસોથી નદીના વહેણમાં ઠેર-ઠેર સફેદ રંગના ફીણના મોટા થર વળેલા જોવા મળી રહ્યા છે, જેને પગલે નદીમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાયું હોવાની આશંકા પ્રબળ બની છે. એટલું જ નહીં, નદીનું પાણી અનેક સ્થળોએ ભયજનક રીતે લાલ રંગનું થઈ ગયું છે. આ લાલચોળ પાણી જોઈને સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે. આ ઝેરી રસાયણોની સીધી અસર જળચર સૃષ્ટિ પર પડી છે, જેના કારણે નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ અને અન્ય જીવોના મોત નીપજ્યા છે. નદી કિનારે મરેલી માછલીઓનો ઢગલો જોવા મળતા લોકોમાં આક્રોશ છે.સ્થાનિક ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે કે આ દૂષિત પાણી પશુઓ પીશે તો તેમના સ્વાસ્થ્ય પર જીવલેણ સંકટ આવી શકે છે. આ પંથકમાં ખેતી માટે પણ નદીના પાણીનો ઉપયોગ થાય છે, જેથી પાક બગડવાની અને જમીન બિનઉપજાઉ થવાની પૂરેપૂરી શક્યતા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સમક્ષ અગાઉ પણ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને હજુ સુધી કોઈ જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલમાં ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે જવાબદાર કેમિકલ માફિયાઓ વિરૂદ્ધ કાયદાકીય શિકંજો કસવામાં આવે અને નદીના પાણીના નમૂના (સેમ્પલ) લઈ તાત્કાલિક તેની લેબોરેટરી તપાસ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે, તો ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની અને રસ્તા પર ઉતરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ