મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત જોડતો રેલવે વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ
સુરત, 06 જુલાઈ (હિ.સ.) મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર પશ્ચિમ અને મધ્ય રેલવેના ટ્રેન વ્યવહાર પર જોવા મળી રહી છે. અનેક સ્થળોએ ટ્રેક પર પાણી ભરાવા તેમજ કેટલાક વિસ્તારોમાં ટ્રેકને નુકસાન પહોંચતા સુરક્ષાના કારણોસર મુંબઈ
Train


સુરત, 06 જુલાઈ (હિ.સ.) મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર પશ્ચિમ અને મધ્ય રેલવેના ટ્રેન વ્યવહાર પર જોવા મળી રહી છે. અનેક સ્થળોએ ટ્રેક પર પાણી ભરાવા તેમજ કેટલાક વિસ્તારોમાં ટ્રેકને નુકસાન પહોંચતા સુરક્ષાના કારણોસર મુંબઈ જતી અને ત્યાંથી આવતી ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોને સુરત, વલસાડ, વાપી અને નવસારી જેવા સ્ટેશનો સુધી જ મર્યાદિત રાખવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને વૈકલ્પિક માર્ગ પરથી દોડાવવામાં આવી રહી છે.

અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે વિવિધ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. મુસાફરોને જરૂરી માહિતી મળી રહે તે માટે રેલવે વિભાગે સુરત, વલસાડ, વાપી અને નવસારી સહિતના મુખ્ય સ્ટેશનો પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે. સાથે જ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના સહયોગથી મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડવા માટે વિશેષ એસટી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ, સુરત-વિરાર, જયપુર-બાંદ્રા ટર્મિનસ, અજમેર-દાદર, જોધપુર-બાંદ્રા ટર્મિનસ અને આઝમગઢ-બાંદ્રા ટર્મિનસ જેવી અનેક ટ્રેનોને અધવચ્ચે જ શોર્ટ-ટર્મિનેટ કરીને પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ પણ આજે તેના નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ કલાક મોડી રવાના થશે. બીજી તરફ મધ્ય રેલવેના રૂટ પર ભૂસ્ખલનની ઘટના બાદ અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ, પુણે-ભુજ અને પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવી રહી છે.

રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરી માટે નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું તાજું સ્ટેટસ ઓનલાઈન અથવા નજીકના રેલવે હેલ્પ ડેસ્ક પરથી અવશ્ય તપાસી લે. વિભાગે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે હવામાન અને ટ્રેકની સ્થિતિ સામાન્ય થતાં ટ્રેન વ્યવહારને તબક્કાવાર પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande