
વલસાડ, 06 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત સરીગામ પોલીસે પ્રશંસનીય કાર્યવાહી કરતાં 97.21 ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. 4,860.50 કિંમતનો ગાંજો કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરીગામ પોલીસ માંડા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્લાટપાડા વિસ્તારમાં એક લાકડાના માંચડા પાસે બેઠેલા શંકાસ્પદ યુવકની તપાસ કરતાં તેની પાસેથી 97.21 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ ધવલ જયરામભાઈ ઠાકરીયા (ઉ.વ. 22), રહે. માંડા ગામ, પ્લાટપાડા, તા. ઉમરગામ, જી. વલસાડ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન ગાંજો સંજાણ ખાતે રહેતા એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. તે શખ્સનું સંપૂર્ણ નામ-સરનામું હજુ જાણી શકાયું નથી અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ મામલે સરીગામ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(II)(A) અને 29(1) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha