
પાટણ, 07 જુલાઈ (હિ.સ.) પાટણમાં રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ અને શોભાયાત્રા સમિતિ પાટણ દ્વારા નગરપાલિકાના નવા ચૂંટાયેલા 44 સભ્યોના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક શ્રી સિદ્ધનાથ મહાદેવ અને દશામાતા શક્તિપીઠ ખાતે યોજાયેલા આ સમારંભમાં તમામ સભ્યોને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકા રાવલ, અગ્રણી નેતા કિર્તી મહેતા તેમજ રામનવમી શોભાયાત્રા સમિતિના હોદ્દેદારો, કેયુર વ્યાસ, જનક વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સમિતિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દશામાતા શક્તિપીઠના સેવક અતુલભાઈ રાવલે આશા વ્યક્ત કરી હતી કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાટણ શહેરના વિકાસને વધુ ગતિ આપશે અને પ્રજાના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે કાર્ય કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અગ્રણી નાગરિકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ