
અમરેલી,07 જુલાઈ (હિ.સ.)
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો જે.વી. કાકડીયા, હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી, માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ જળાશયોની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે તમામ વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી કરવાની સૂચના આપી હતી.
જિલ્લામાં ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ લોકો ફસાયા હતા, જેમાં લીલીયા તાલુકાના બવાડી ગામેથી 8 લોકો, ધારીના મીઠાપુર, ડુંગરી અને ચલાલા વિસ્તારમાં 10 લોકો તેમજ કથીવદર ખાતે 12 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, ફાયર વિભાગ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતત બચાવ કામગીરીમાં કાર્યરત છે. અત્યાર સુધી જિલ્લામાં વરસાદ સંબંધિત 2 માનવમૃત્યુ, 4 પશુઓના મોત અને 12 કાચા મકાનોને નુકસાન થયાની માહિતી આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં 6 રસ્તાઓ હજુ પણ બંધ છે, જ્યારે નુકસાનગ્રસ્ત રસ્તાઓની મરામત માટે 10 ટીમો સતત કામગીરી કરી રહી છે. પંચાયત હસ્તકના માર્ગોને પણ ઝડપથી પૂર્વવત કરવા આયોજન હાથ ધરાયું છે.
ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજુલા-જાફરાબાદ સહિત જ્યાં વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા છે ત્યાં તાત્કાલિક મરામત કરીને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
જિલ્લાના તમામ 10 સિંચાઈ ડેમોની સ્થિતિ પણ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. હાલમાં ધાતરવડી-1 ડેમ 2.5 ફૂટ ઓવરફ્લો છે, ખોડિયાર ડેમના 2 દરવાજા, ઠેબી ડેમના 6 દરવાજા, રાયડી ડેમનો 1 દરવાજો તેમજ ધાતરવડી-2 ડેમના 10 દરવાજા પાણી છોડવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. તમામ ડેમો પર ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ તમામ જળાશયો સંપૂર્ણપણે સલામત હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતત એલર્ટ મોડમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai