
કચ્છ, 07 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર પર લગામ કસવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનને વધુ એક મોટી સફળતા ત્યારે મળી જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મુન્દ્રા તાલુકાના બરાયા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો અંદાજે રૂ. 11.16 લાખનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આજની આ કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો બાવળની ગીચ ઝાડીઓમાં ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસને માહિતી મળી હતી કે અબડાસા તાલુકાના ખાનાય ગામનો રહેવાસી રાસુભા તગજી સોઢાએ ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી બરાયા ગામની સીમમાં આવેલા કારાઘોઘા ડેમ નજીક બાવળની ઝાડીમાં સંતાડી રાખ્યો છે.
માહિતીને આધારે પોલીસ ટીમે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ઝાડીઓમાં સઘન તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,860 બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરીને તેની કિંમત અંદાજે રૂ. 11.16 લાખ હોવાનું નોંધ્યું છે.
આ બનાવ અંગે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તે રાસુભા તગજી સોઢા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે અને દારૂનો જથ્થો ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યો તેમજ તેની પાછળ અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. મકવાણા, PSI એમ. એચ. શીણોલ, ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ તેમજ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી અને મહેશભાઈ ચૌહાણ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરનારાઓ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar