મહેસાણા: દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકના પરિવારને સહાય ચૂકવવા સાંસદ મયંક નાયકે કલેક્ટરને લખ્યો પત્ર
મહેસાણા, 07 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં જીવ ગુમાવનાર 5 વર્ષીય રુદ્ર સુનિલભાઈ દેવીપૂજકના પરિવારને સરકારના નિયમો મુજબ તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણા કલેક્ટરને પત્ર લખી રજૂઆત
મહેસાણા: દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકના પરિવારને સહાય ચૂકવવા સાંસદ મયંક નાયકે કલેક્ટરને લખ્યો પત્ર


મહેસાણા, 07 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં જીવ ગુમાવનાર 5 વર્ષીય રુદ્ર સુનિલભાઈ દેવીપૂજકના પરિવારને સરકારના નિયમો મુજબ તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.

ગત 5 જુલાઈએ સિંધી સોસાયટી નજીક આવેલી પટાવાળાની ચાલીમાં રહેતો રુદ્ર પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તા પર આવેલી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલનો કાટમાળ બાળક પર પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ સાંસદ મયંક નાયકે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કુદરતી આફતના કારણે બનેલી આ દુર્ઘટનામાં પરિવારે નાનકડા બાળકને ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં પરિવારને માનસિક આઘાતની સાથે આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સાંસદે ઘટનાને ડિઝાસ્ટર અંતર્ગત માનવ મૃત્યુ તરીકે ધ્યાને લઈ સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ મૃતકના પરિવારને મળવાપાત્ર આર્થિક સહાય તાત્કાલિક મંજૂર કરી વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે, જેથી દુઃખની આ ઘડીમાં પરિવારને આર્થિક ટેકો મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande