
સુરત, 07 જુલાઈ (હિ.સ.) રાજ્યભરમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સુરતના સહારા દરવાજા ગરનાળામાં મુસાફરોથી ભરેલી એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જોકે સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ છેલ્લા 12 કલાક દરમિયાન વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદે જોરદાર હાજરી નોંધાવી છે. અમરેલી જિલ્લામાં ઠેબી ડેમ ઓવરફ્લો થતા પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. ઉપરાંત સુન્ધા માતા મંદિરના પગથિયાં પરથી વરસાદી પાણીના ધોધ વહેતા મનોહર દૃશ્યો સર્જાયા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.
રાજ્યના અનેક જળાશયો અને ડેમોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે