ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહથી વડ ગામનો સુરક્ષા પાળો તૂટ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલી,07 જુલાઈ (હિ.સ.) રાજુલા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ પ્રચંડ પ્રવાહ વચ્ચે વડ ગામનો સુરક્ષા પાળો તૂટી જતાં ગામમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. નદીના જોરદાર વહેણ સામે પાળો ટકી
ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહથી વડ ગામનો સુરક્ષા પાળો તૂટ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ


અમરેલી,07 જુલાઈ (હિ.સ.)

રાજુલા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ પ્રચંડ પ્રવાહ વચ્ચે વડ ગામનો સુરક્ષા પાળો તૂટી જતાં ગામમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. નદીના જોરદાર વહેણ સામે પાળો ટકી શક્યો નહીં અને તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ પાળો તૂટવાના કારણે નજીકની સુરક્ષા દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. ઉપરાંત ગામના સ્મશાન વિસ્તારમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નદીના સતત વધતા પ્રવાહને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને લોકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી કલાકોમાં ધાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ વધુ વધશે તો ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતા છે. આવી સ્થિતિ સર્જાય તો અનેક રહેણાંક વિસ્તારો જળબંબાકાર બની શકે છે અને ગામ બેટમાં ફેરવાઈ જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક સ્થળ પર પહોંચીને જરૂરી સુરક્ષા અને રાહત કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ પાળાની મરામત, નુકસાનનું સર્વેક્ષણ અને સંભવિત જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, અનાવશ્યક રીતે નદી નજીક ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વરસાદ યથાવત રહેતા આગામી કલાકો સ્થિતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande