


વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરીના પાર્કિંગમાં આજે એક અનોખી ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક એડવોકેટની ટુ-વ્હીલર બાઈકમાં સાપનું નાનું બચ્ચું ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પાર્કિંગમાં હાજર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. બાઈકમાં સાપનું બચ્ચું ક્યાં છુપાયું છે તે જોવા લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી હતી. સાપ હોવાની જાણ થતાં આસપાસ ઉભેલા લોકોએ સાવચેતી રાખી અને બાઈકથી દૂર રહેવાનું પસંદ કર્યું.
સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. જોકે, સરકારી કચેરીના પાર્કિંગમાં આવી ઘટના બનતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ સહિતના જીવજંતુઓ બહાર નીકળવાની ઘટનાઓ વધતી હોય છે. તેથી જાહેર સ્થળો અને પાર્કિંગ વિસ્તારોમાં પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ સાપના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ